કલ્યાણપુર તાલુકાના શીવા ગામે રહેતી એક યુવતીના સ્ક્રીનશોટને વાયરલ કરવા તથા તેણીને ચારિત્ર્યહીન કરવાની ધમકી આપવામાં આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે એક યુવાન સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાબેના શિવા ગામની સીમ વિસ્તારમાં રહેતી એક યુવતીને માલદે માળીયા નામના આહીર શખ્સ સાથે છેલ્લા ઘણા સમયથી પરિચય હતો. ઉપરોક્ત શખ્સ માલદેએ યુવતી સાથે મિત્રતા કેળવી, તેના એન્ડ્રોઇડ ફોનમાં વિડીયોકોલથી કરેલી વાતચીત દરમિયાન બિભત્સ સ્ક્રીન શોટ (ફોટા) પાડી લીધા હતા. આ ફોટા તેણે સાહેદ જયદીપ હમીરભાઈ પરમાર નામના યુવાનના મોબાઈલ ફોનમાં વાઇરલ કરી અને યુવતીને પોતાની પાસે મોબાઇલ ફોનમાં રહેલા બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ચારિત્રહીન કરવાની ધમકી આપી હતી.
આ બનાવથી ગભરાઈ ગયેલી યુવતીએ પોતાના હાથે પોતાની વાડીના મકાને જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે યુવતીના પિતાની ફરિયાદ પરથી ભાણવાડ પોલીસે માલદે માળીયા સામે આઇપીસી કલમ 354 (સી), 506(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના એસ.સી એસ.ટી. ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે.