ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામના તાલુકાના લોઢવા ગામના મૂળ વતની એવા 23 વર્ષના એક યુવાન તેમના પત્ની તથા મિત્ર વિગેરે સાથે ગઈકાલે મંગળવારે રાત્રે મોટરકાર મારફતે દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં કાર અકસ્માત સર્જાતા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને નાની – મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહી અને એક સ્થળે નોકરી કરતા ધવલભાઈ રામભાઈ ભરગા નામના 23 વર્ષના યુવાનની સગાઈ થોડા સમય પૂર્વે પ્રતીક્ષા નામની એક યુવતી સાથે થઈ હતી. આ દરમિયાન ગઈકાલે મંગળવાર તા. 11 નવેમ્બરના રોજ ધવલ અને પ્રતીક્ષા ધવલના મિત્ર મૌલિક બાબુભાઈ વણપરિયા (રહે. રાજકોટ) ની વોક્સ વેગન મોટરકાર નં. જી.જે.36 આર. 6218 માં પ્રતીક્ષાબેનના બહેનપણી અનિતાબેન વાંઝા સાથે બેસીને દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા.
ત્યારે ગઈકાલે મંગળવારે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે તેઓ ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 21 કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસે આવેલા એક મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ મોટરકારના ચાલક મૌલિક વણપરીયાએ મોટરકારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર હાઈવે પરની રેલિંગ સાથે ટકરાઈને આરપાર નીકળી ગઈ હતી.
View this post on Instagram
આ અકસ્માતમાં 23 વર્ષીય ધવલ રામભાઈનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે મૃતક ધવલના મોટાભાઈ નીરવ રામભાઈ (ઉ.વ. 25, રહે. લોઢવા, તા. સુત્રાપાડા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક મૌલિક બાબુભાઈ વણપરિયા સામે ભારતીય ન્યાય સંહિતા અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.


