જામનગર નજીક આવેલા હાપા ખારી વિસ્તારમાં રહેતા યુવાન સાથે તેજ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન થઈ ગયા બાદ અન્ય યુવાન સાથે વાત કરતી હોવાની બાબતે સમાધાન થઈ ગયા બાદ આ બાબતનો ખાર રાખી શનિવારે બપોરના સમયે યુવાન ઉપર યુવતીના ભાઈએ છરીનો એક જીવલેણ ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં એક પછી એક હત્યાની ઘટનાએ હાલારને હમચાવી દીધું છે. છેલ્લાં 25 દિવસથીમાં એક પછી એક એમ પાંચહત્યાના બનાવો પોલીસ દફતરે નોંધાયેલા છે ત્યારે વધુ એક હત્યાની ઘટનાથી અરેરાટી ફેલાઇ ગઇ છે આ હત્યાના બનાવની વિગત મુજબ, જામનગરના હાપા ખારી વિસ્તારમાં આવેલા ચારણવાસમાં રહેતાં વિજસુર ધનરાજભાઇ વીર નામના યુવાનને તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ હતો અને યુવતીના લગ્ન થયા બાદ પણ વિજસુર સાથે ફોન પર વાતચીત કરતી હોવાના કારણે સસરા પક્ષમાં ઝઘડાઓ થતાં હતાં જેના લીધે યુવતીના પરિવારજનોએ વિજસુર સાથે જ્ઞાતિ લેવલે સમાધાન કર્યુ હતું. તેમ છતાં પરિણીત બહેનના વિજસુર સાથેના સંબંધનો ખાર રાખી શનિવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં વિજસુર વીર નામનો યુવક હાપા ખારી બાવરી વાસ વિસ્તારમાં લાલુભાઈની દુકાને તેના મિત્રો સાથે ઉભો હતો.
તે દરમિયાન સુનિલ ચેતન ડાભી નામના શખ્સે આવીને વિજસુરના જમણા પડખામાં છરીનો જીવલેણ ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. છરીનો ઘા ઝીંકયા બાદ સુનિલ નાશી છૂટયો હતો. બાદમાં વિજસુરને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ અંગેની મૃતકના ભાઈ વાલસુર ધનરાજ ઉર્ફે ધાધાભાઈ વિરના નિવેદનના આધારે પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે સુનિલ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.