જોડિયા તાલુકાના લખતર ગામના ઓવરબ્રીજ પાસે કુદરતી હાજતે જઇ રહેલા યુવક રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે પૂરપાટ આવી રહેલી અર્ટીગા કારએ યુવકને ઠોકરે ચઢાવતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના કળમફળિયુ ગામના વતની અને હાલ જોડિયા તાલુકાના લખતર ગામે સીમમાં આવેલી અમરશીભાઇ દલસાણિયાની વાડીમાં ખેત મજૂરીકામ કરતાં અમરશીભાઇ ભુરિયા નામના આદિવાસી પ્રૌઢનો પુત્ર સંજયભાઇ ભુરિયા (ઉ.વ.18) નામનો ખેતમજૂર યુવક શનિવારે સાંજના સાત વાગ્યાના અરસામાં કુદરતી હાજતે જવા માટે લખતર ગામના ઓવરબ્રીજ પાસેનો રોડ ક્રોસ કરતો હતો ત્યારે ધ્રોલ તરફથી પુરપાટ આવી રહેલી જીજે32 કે 4488 નંબરની અર્ટીગા કારના ચાલકે ખેતમજૂર યુવકને હડફેટ લઇ ફંગોળી દેતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા સંજય ભુરિયાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતાં હે.કો. ડી. આર. કાંબરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


