જામનગર તાલુકાના નાઘેડી નજીક લહેર તળાવ પાસે ઝુંપડામાં રહેતાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ખાટલામાં નિંદ્રાધિન યુવાન ઉપર હથિયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવી મૃતદેહને સળગાવી નાખ્યાના બનાવમાં ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને હત્યાના બનાવની તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં લહેર તળાવના કાંઠે આવેલા ઝુંપડામાં રહેતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુરભાઈ જીવાભાઈ સુમાત (ઉ.વ.36) નામનો યુવાન ગુરૂવારે રાત્રિના સમયે તેના ઝુપડાની બહાર ખાટલામાં નિંદ્રાધિન હતો તથા તેની પત્ની અને છ વર્ષની બાળકી ઝુંપડામાં સુતા હતાં ગુરૂવારની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ કિશોર ઉપર કોઇ હથિયાર વડે નાખથી કપાળ સુધી અને કપાળથી ઉપરના ભાગે તથા માથાના ભાગે આડેધડ ઘા ઝીંકી ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી. તેમજ હત્યા નિપજાવ્યા બાદ મૃતદેહને સળગાવી નાખી પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારે વહેલસવારના સમયે કોઇ વ્યક્તિ ત્યાંથી પસાર થતા તેને મૃતકના ભાઈને બહાર કોઇ સળગેલો મૃતદેહ હોવાની જાણ કરતા મૃતકનો ભાઈ તથા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતાં અને સળગેલો મૃતદેહ જોઇ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતાં. ત્યારબાદ આ ઘટનાની મૃતકના ભાઈ પુનાભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ ઘટનાની જાણ થતા ડીવાયએસપી આર બી દેવધા અને એલસીબી સહિતની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસની ટીમે સળગેલા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો દ્વારા કિશોર સુમાત નામના યુવાનની હત્યા નિપજાવી મૃતદેહને સળગાવી નાખી પૂરાવાનો નાશ કર્યાનો ગુનો નોંધી આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે હત્યા પ્રકરણમાં અનૈતિક સંબંધો હોવાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસને પ્રાથમિક તારણમાં મૃતક યુવાનની પત્નીની અન્ય કુટુંબીજન સાથે અનૈતિક સંબંધો હોવાથી પત્ની તથા પ્રેમીએ હત્યા નિપજાવી હોવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતાં. જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.