જામનગર શહેરના ગાંધીનગર રોડ પર રમઝાન ઈદના તહેવાર દરમિયાન કપડા લઇ દેવાની બાબતે ત્રણ શખ્સોએ ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો કાઢી અને ત્યારબાદ રસ્તામાં આંતરી છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્વર કાંતિ ઓઇલ મીલની પાછળ રહેતાં રમઝાન ઉર્ફે અસલમ અકબર ખુરેશી નામના મજૂરી કામ કરતા યુવાનને વનરાજસિંહ વાળાએ રમઝાન ઈદના તહેવારમાં બે જોડી કપડા લઇ આપવાનું કહ્યું હતું. જેથી રમઝાન બુધવારે સાંજના સમયે બતાવેલી દુકાને કપડા લેવા ગયો હતો તે દરમિયાન વનરાજસિંહને અવાર-નવાર ફોન કરતા ફોન ઉપાડયો ન હતો. અને ત્યારબાદ વનરાજસિંહે રમઝાનને ફોન કરી જેમ ફાવે તેમ અપશબ્દો કહયા હતાં ત્યારબાદ રાત્રિના સમયે રમઝાનને આંતરીને વનરાજસિંહ વાળા તથા બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ઈદના આગલા દિવસે રમઝાન ઉપર થયેલા હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ડી. જી. રાજ તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.