જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીક આવેલી નદીના પુલ પાસેથી બાઈક પર જતાં બે યુવાનોને પૂરઝડપે આવતી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતાં જગાભાઈ સાદુરભાઈ વાઘેલા અને કનુભાઈ પંડત નામના બે યુવાનો ગુરૂવારે બપોરના સમયે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નદીના પુલ પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમના જીજે-10-ડીકે-3477 નંબરના બાઈકને પૂરઝપડે બેફીકરાઇથી આવતી જીજે-36-એલ-5204 નંબરની ક્રેટા કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જગાભાઈ અને કનુભાઈ નામના બે યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં કનુભાઈ વિરાભાઈ પંડત નામના યુવાનનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. જ્યારે જગાભાઈને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં હતાં.
બનાવની જાણના આધારે પીએસઆઈ વાય.બી.રાણા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ મૃતદેહનો કબ્જો સંભાળી ઈજાગ્રસ્ત જગાભાઈના પિતા સાદુરભાઇ વાઘેલાના નિવેદનના આધારે કાર મૂકી નાશી ગયેલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.