ભાણવડ તાલુકાના આંબલીયારા ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઓખામાં રેલવે ટે્રક પાસેથી પ્રૌઢનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ભાણવડ તાબેના આંબલીયારા ગામે રહેતા અશોકભાઈ પોપટાભાઈ સુરેલા (ઉ.વ.27) નામના યુવાને તા. 23 મી ના રોજ ઈન્દ્રેશ્વર મંદિરના પુલ પાસેના ઝાડ હેઠળ ઝેરી ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની મૃતકના પિતા પોપટભાઈ પુંજાભાઇ સુરેલા દ્વારા જાણ કરાતા ભાણવડ પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, દ્વારકા જિલ્લાના ઓખામાં વિરામ આશા ઓફિસની પાછળના ભાગમાં આવેલા રેલવે ટે્રક પરથી આશરે 55 વર્ષના પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યાની નગરપાલિકાના અશ્ર્વિનભાઈ વેગડ દ્વારા જાણ કરવામાં આવતા ઓખા મરીન પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં વૃધ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભિક્ષુક વૃધ્ધનું હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજ્યાના પ્રાથમિક તારણના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.