ખંભાળિયામાં રહેતા એક દરજી યુવાનને ગઇકાલે શુક્રવારે સવારે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયામાં ગુંદી ચોક નજીક શાકમાર્કેટની પાછળના ભાગે રહેતા અને દરજી કામ કરતા ચંદ્રેશભાઇ પ્રભુદાસભાઈ પિઠીયા નામના 45 વર્ષના યુવાન પોતાના ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં ખંભાળિયામાં સલાયા રેલવે ફાટક પાસેથી તેમનો ટ્રેન હેઠળ કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ સાંપડયો હતો. આ યુવાન દ્વારા ખંભાળિયાથી પસાર થતી ઓખા- દહેરાદૂન ટ્રેન હેઠળ કોઈ કારણોસર ઝંપલાવીને આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.
ટ્રેન હેઠળ આવી ગયેલા આ યુવાનને ગંભીર હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માર્ગમાં તેમણે અંતિમ શ્ર્વાસ ખેંચતા હતા.
આ બનાવ અંગે રેલ્વે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. સરળ સ્વભાવના એવા ચંદ્રેશભાઈ પિઠીયા દ્વારા આપઘાતના આ બનાવે દરજી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે. માતા-પિતા સાથેના પરિવારમાં રહેતા ચંદ્રેશભાઈ અને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળેલ છે.