અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જીલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે.
નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (ગેજેટેડ) તરીકે ફરજ બજાવે છે. તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ દ્વારા પોતાની કાયકિંગ કૌશલ્યમાં નિખાર લાવ્યો છે. એમના માટે આ માત્ર હોબી નથી – એ એક લાગણી, એક સાહસિક જીવનશૈલી છે. નચિકેતા ગુપ્તા માત્ર કાયકર જ નથી, તેઓ એક બહુઆયામી ઍડવેન્ચર એથ્લીટ છે. સ્કીંગ, પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિયરિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ એક ઓળખ ધરાવે છે. ગુજરાતના પ્રથમ કાયકિંગ સેમિફાઈનલિસ્ટ તરીકે તેમનું સ્થાન નોંધપાત્ર છે. તેઓ જણાવે છે કે, “માલાબાર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગૌરવની વાત છે. હું ઈચ્છું છું કે, વધુ યુવાઓ વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રમત તરફ પ્રેરાય.”
મલબાર રિવર ફેસ્ટિવલ, જે કેરળના કોઝિકોડ જિલ્લાના પેરિયાર, ચાલીપુઝા અને ઇરૂવાઝિંજી નદીઓ પર આયોજિત થાય છે. દર વર્ષે ભારત તથા યુરોપ, ન્યુઝીલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા ૧૦થી વધારે દેશોના શ્રેષ્ઠ કાયકરો પ્રતિસ્પર્ધા કરે છે. સ્પર્ધાની મુખ્ય કેટેગરીઓ – Boater Cross, Downriver Race અને Extreme Slalom – તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને યોજવામાં આવે છે. અહીં રમતકૌશલ્ય ઉપરાંત સ્નાયુ શક્તિ, સંતુલન અને તટસ્થતા પણ કસોટીમાં મુકાય છે. આ તીવ્ર સ્પર્ધા વચ્ચે, નચિકેતાએ પોતાની પ્રતિભા દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે.
“કાયાક” એ એક સાંકડી અને લાંબી બોટ હોય છે, કાયકિંગએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રમત છે અને ઓલિમ્પિક રમતોમાં પણ સમાવેશ પામે છે. વ્હાઇટ વોટર કાયકિંગએ કાયકિંગનો પ્રકાર છે જેમાં પર્વતીય વિસ્તારોમાં વહેતી ઝડપભરી અને ઉછળતા પાણીવાળી નદીઓમાં કાયાક ચલાવવામાં આવે છે. આ પ્રકારનું કાયકિંગ ઊંડા જળપ્રવાહ, પથ્થરો અને વળાંકોથી ભરેલું હોવાથી સાહસિક રમતોમાં આગવું સ્થાન ધરાવે છે, જેથી એ ખૂબ જ દમદાર કૌશલ્ય, શારીરિક તાકાત અને સતર્કતા માંગે છે.


