જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ફરસાણની દુકાનના સંચાલક યુવાન વેપારી સાથે લગ્ન કરી નાગપુરની યુવતી રોકડ રકમ અને દાગીના સહિતની માલમતા લૂંટી લઇ પલાયન થઇ ગયાની વધુ એક ઘટના બની છે. આ લૂંટેરી દુલ્હનના પ્રકરણમાં પોલીસે દંપતી અને યુવતી સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચ્યાનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
અપરિણીત યુવાનોને લગ્ન લાલચ આપી અને લગ્ન કરાવી પૈસા લૂંટવાનો લૂંટેરી દુલ્હનના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને જામનગર શહેર અને જિલ્લામાં આવા કિસ્સાઓ વધતાં જાય છે. લગ્નઈચ્છુક યુવાનો સાથે પૈસા પડાવી લગ્ન કરાવી દીધા પછી યુવતીઓ રોકડ અને દાગીના લઇને પલાયન થઈ જતી હોય છે. જેમાં વચેટીયાઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા વધુ એક યુવાનની ફરિયાદની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં અને ફરસાણની દુકાનના સંચાલક નિલેશભાઈ ભગવાનજીભાઈ કાચા (ઉ.વ.42) નામના યુવાનને ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતાં આરતીબેન નિતેશ ઉર્ફે નિતેશ ચોટલિયા મો.6353451634 અને નિતેશ ઉર્ફે નિતેશ ચોટલિયા નામના દંપતી એ યુવાનના લગ્ન કરાવી દેવા માટે પૂર્વ આયોજિત કાવતરુ રચી મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતાં નિશાબેન (મો.7620395732) તથા રેખાબેન (મો.નં. 8010480288) નામની મહિલાઓ સાથે મળીને કારસો રચ્યો હતો.
આ પ્રકરણમાં દંપતી અને બે મહિલાઓએ નિલેશના લગ્ન નાગપુરમાં રહેતી માલાબેન સાથે કરાવી દેવાની લાલચ આપી હતી. જેમાં નિલેશ પાસેથી રૂા.1,85,000 ની રોકડ રકમ અને રૂા.10000 ની કિંમતના ચાંદીના સાંકળા તથા રૂા.4,700 ની કિંમતના નાકમાં પહેરવાના બે નંગ સોનાના દાણા સહિતની માલમતા પચાવી પાડી વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ અંગે ભોગ બનેલા યુવાન દ્વારા જાણ કરાતા હેકો એચ.જે. જાડેજા તથા સ્ટાફે દંપતી અને લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.