દ્વારકા પર્યટકો માટે સૌથી વધુ પસંદગીનું ફરવાનું સ્થળ બન્યું છે. દ્વારકાની આજુબાજુ આવેલ શિવરાજપુર બીચ, ગોમતી ઘાટ, અને બેટ દ્વારકા ખાતે સ્કુબા ડાઇવિંગ, બોટીંગ અને પેરાગ્લાઈડિંગ અંગેની કથિત રીતે ગેરકાયદે પ્રવૃત્તિ કોઈપણ સુરક્ષાના સાધનો વગર, ધમધમતી હોવાના કારણે યાત્રિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.
ત્યારે ગઈકાલે શુક્રવારે આવી જ એક ઘટના શિવરાજપુર બીચ પરથી સામે આવી છે. અહીં પેરાગ્લાઈડિંગ કરતા એક યાત્રિકનો અકસ્માત થયો હોવાનો વિડીયો સામે આવ્યો છે. પેરાગ્લાઈડિંગ દરમિયાન એક યાત્રિક આશરે 20 ફુટ ઊંચાઈથી પટકાયો હોવાનું જાણવા મળેલ છે. જોકે આ ઘટનામાં યાત્રિકને સામાન્ય ઇજા પહોંચી હતી.
શિવરાજપુર બીચ ખાતે બોટ રાઇડ અને પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઇવિંગનો વેપાર અનધિકૃત રીતે વધ્યો હોવાનું કહેવાય છે. ત્યારે હજારો યાત્રિકો બોટ રાઇડ, પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઇવિંગનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડે છે. મોટા ભાગની બીચ સ્પોર્ટસ એક્ટિવિટી દરમિયાન સેફ્ટી જેકેટ પણ ન પહેરાવાતા હોવાનું પણ કહેવાય છે. શિવરાજપુર બીચ પરના મેનેજરના જણાવ્યા મુજબ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર તમામ જાતની વોટર સપોર્ટ એક્ટિવિટી પર હાલ પ્રતિબંધ છે.