જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવાન તેની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારતા સમયે ઈલેકટ્રીક થાંભલાનો હાઈ વોલ્ટેજ તાર અડી જતાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. જામનગરના રણજીતસાગર રોડ પર રહેતાં વૃદ્ધની તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની એમ-17 ફલેટ નં.2697 માં રહેતો જય નીતિનભાઈ ભુવા (ઉ.વ.22) નામનો પટેલ યુવાન મંગળવારે સાંજના સમયે તેના ઘરની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારતો હતો ત્યારે ઈલેકટ્રીક થાંભલાનો હાઈવોલ્ટેજ તાર અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ મૃતકના પિતા નીતિનભાઈ દ્વારા કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા આશિર્વાદ એવન્યુ શેરી નં.4 માં રહેતાં કરશનભાઈ જેરામભાઇ વિરડિયા (ઉ.વ.76) નામના વૃદ્ધની તેના ઘરે તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હે.કો. જી.વી.ચાવડા તથા સ્ટાફે મૃતકના પુત્ર ભરતભાઇના નિવેદનના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.