જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલી ખાનગી કંપીનની સાઇટ પર વેલ્ડીંગ કામ કરતાં સમયે હેવિ મેગ્નેટ ઉચકતી વખતે છાતી ઉપર દબાણ આવી જતાં, મોઢામાંથી લોહી નીકળતાં, બેશુઘ્ધ થઇ ગયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં ત્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ બિહાર રાજ્યના સારંગ જિલ્લાના દિગવાડા તાલુકાના ત્રિલોકચક ગામનો વતની અને હાલ જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલી આફતાબ સ્ટીલ પ્રા. લિ. કંપનીમાં કામ કરતો મનજિતકુમારસિંહ ભોલાસિંહ (ઉ.વ.28) નામનો યુવાન ગત્ તા. 15ના રોજ સાંજના સમયે સીસીએમ બેડ ઉપર લોખંડની પ્લેટો વેલ્ડીંગ કરતો હતો ત્યારે હેવિ વેઇટ મેગ્નેટથી પ્રેસ કરી કામ કરતાં સમયે ક્રેઇનનું રીમોર્ટ હાથમાં હતું અને હેવિ મેગ્નેટ ઉંચકતી વખતે હિલોળા ખાતા છાતીમાં મેગ્નેટનો હેવી વેઇટનું દબાણ થવાથી મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને શ્વાસ ન લઇ શકતા બેશુઘ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ બેશુઘ્ધ હાલતમાં યુવાનને જાંબુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની તરૂણકુમારસિંઘ દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. બી. આર. કાંબરિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


