લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતાં યુવાન ડબાસંગ નજીક રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રહેતી મહિલા પાણીના ભોયરામાં પડી જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતાં મહેશભાઈ હરીભાઈ બારીયા (ઉ.વ.25) નામનો યુવાન સોમવારે બપોરના 12 વાગ્યાના અરસામાં લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં આવેલા રેલવે ટ્રેક પર 960/06,07ની વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન નીચે આવી જતાં માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયા હતાં. સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકના ભાઈ વિજય બારીયાના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં સમર્પણ સોસાયટી પાછળ મયુરનગરમાં રહેતાં અર્ચનાબેન માધવજીભાઈ નકુમ (ઉ.વ.42) નામના મહિલા સોમવારે સવારના સમયે તેના ઘરે સીડી નીચે આવેલા પાણીના ભોયરામાં પડી જતાં બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ માધવજીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.