જામનગર તાલુકાના સીક્કા ગામના પાટીયા નજીકથી બાઈક પર પસાર થતાં યુવાન ચાલકની બાઈક સાથે ખુટીયો અથડાતા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિવસને દિવસે વધતો જાય છે તેમાં પણ ખાસ કરીને રાજમાર્ગો પર રખડતા પશુઓના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. જેમાં વાહનચાલકોના મોત થવાની ઘટનાઓ પણ બનતી હોય છે. જ્યારે વધુ એક આવી જ ઘટનાની વિગત મુજબ જામનગર તાલુકાના સીક્કા ગામમાં હાઉસીંગ બોર્ડમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા હર્ષવર્ધનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.47) નામના યુવાન ગત તા.10 ના રોજ સવારના સમયે તેના જીજે-10-સીપી-2958 નંબરના બાઈક પર સીક્કા પાટીયાથી મોટી ખાવડી ગામ તરફ જતાં હતાં ત્યારે સીક્કા પાટીયા નજીકથી જ આવેલી હોટલ નજીક પહોંચ્યા ત્યારે એકાએક ખુટીયો બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષવર્ધનસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મૃતકના ભાઈ યોગેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.