જામનગર શહેરમાંથી બેરોકટોક ગાંજાનું વેંચાણ થતા સ્થળે પોલીસ દ્વારા રેઈડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં ગાંજાનું વેચાણ બેખોફ થઈ રહ્યું છે. ધરારનગર વિસ્તારમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરતી મહિલાને એસઓજીની ટીમે 535 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી છે.
સંવેદનશીલ ગણાતા હાલારના દરિયાકિનારાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. છેલ્લાં ઘણાં સમયથી નશીલા પદાર્થ ઘુસાડવાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે અને હાલારમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ મળી આવ્યાની ઘટનાઓ બની ગઇ છે. ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં પણ ગાંજાનું છુટક વેંચાણ અનેક સ્થળોએ થઈ રહ્યું છે. જો કે, આ વેંચાણ ડામવા માટે પોલીસ એકટીવ છે. પરંતુ નશીલા પદાર્થોનું વેંચાણ એ બહુ ગંભીર બાબત છે. છેલ્લાં એક માસમાં પોલીસે ગાંજાનું વેંચાણ કરતા સ્થળે દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે એસઓજીના અરજણ કોડીયાતર, રમેશ ચાવડા, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા ધરારનગર -1 વિસ્તારમાં હાઉસીંગ બોર્ડની ચાલીમાં રહેતાં ઈનાયત ઉર્ફે ઈનાયતમામા ઈલિયાશ કકકલ અને તેની પત્ની રૂકીયાબેન ઈનાયત કકકલ દ્વારા બહારથી ગાંજો મંગાવી તેના મકાન પર વેંચાણ કરાતું હતું. એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂકિયાબેન નામની મહિલાને રૂા.5350 ની કિંમતના 535 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જો કે, રેઈડ પૂર્વે મહિલાનો પતિ નાશી ગયો હોય જેથી પોલીસે દંપતી વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ઈનાયતની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.