જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં સાંજના સમયે ઘરની બહાર શેરીમાં ખુરશી પર બેસેલા મહિલાને શેરીમાંથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી વેગનઆર કારે હડફેટે લઇ પછાડી દેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી પંચવટી સોસાયટી શેરી નં.5 માં રહેતાં ભાવેશભાઈ જમનભાઈ ચાંગાણી નામના વેપારી યુવાનના પત્ની જ્યોત્સનાબેન ભાવેશભાઈ ચાંગાણી (ઉ.વ.39) નામના મહિલા ગુરૂવારે સાંજના સમયે તેના ઘરની બહાર શેરીમાં ખુરશીમાં બેઠા હતાં તેની જ બાજુમાં રહેતાં દિનેશ રામજી પીપરીયા તેની જીજે-19-એએ-0139 નંબરની વેગેનઆર કાર શેરીમાં પૂરઝડપે ચલાવી પસાર થતા ખુરશી ઉપર બેસેલા જ્યોત્સનાબેનને હડફેટે લઈ પછાડી દીધા હતાં. અકસ્માત થતા દેકારો બોલી જતા મહિલાના પરિવારજનો બહાર દોડી આવ્યા હતાં અને ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
શેરીમાં ઘર પાસે ખુરશીમાં બેસેલા મહિલાનું કારે હડફેટે લેતા અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રીઓ છે. ગમખ્વાર અકસ્માત અંગે ભાવેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી આર ગામેતી તથા સ્ટાફે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.