જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતા મહિલા ચાર-પાંચ દિવસથી બીમાર થયા હતા અને તે દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયું હતું. જામનગરમાં નીલકમલ સોસાયટી, ચાર રસ્તા પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતાં અને ઘરકામ કરતાં ગીતાબેન ભાવેશભાઇ ઘેટિયા (ઉ.વ.37) નામના મહિલા છેલ્લા ચાર-પાંચ દિવસથી બિમાર રહેતાં હતાં. આ બિમારી દરમ્યાન રવિવારના બપોરના સમયે તેના ઘરે હતા ત્યારે આ મહિલાને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ભાવેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. એલ. ચીહલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના નીલકમલ સોસાયટીના ચાર રસ્તા પાસેથી શુક્રવારે રાત્રિના સમયે 45 વર્ષનો અજાણ્યો યુવાન બેશુઘ્ધ હાલતમાં મળી આવ્યાની મિલનભાઇ દ્વારા જાણ કરવામાં આવતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.


