જામજોધપુર તાલુકાના રબારિકા ગામમાં રહેતાં અને ખેતીકામ કરતી મહિલા મગફળી ભેગી કરતી હતી તે દરમિયાન સાપ કરડી જતાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં મહિલાનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબારિકા ગામમાં ભરવાડ વાસમાં રહેતાં નિમુબેન રામાભાઈ મકવાણા (ઉ.વ.27) નામની મહિલા ગત તા.30 ના રોજ સાંજના સમયે રામાભાઈના ખેતરમાં મગફળી ભેગી કરવાનું મજુરી કામ કરતી હતી ત્યારે મગફળીના પથારા નીચે રહેલો ઝેરી સાપ જમણા પગમાં કરડી જતા મહિલાને સારવાર માટે ઉપલેટા ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જતાં હતાં તે દરમિયાન તબીયત વધુ લથડતા ફરીથી ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મોમૈયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


