ખંભાળિયામાં રહેતા જાણીતા તબીબ તેના પુત્રને મૂકીને પરત ફરી રહ્યાં હતા ત્યારે મિલન ચાર રસ્તા પાસે ત્રણ શખ્સોએ આંતરીને બેફામ માર મારી મુઠ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા તબીબ ડો. તુષારભાઈ નટુભાઈ ગોસ્વામી નામના યુવાન તેમના પુત્રને ટ્યુશનમાં મુકવા માટે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં અહીંની ગર્લ્સ સ્કૂલ પાસે પસાર થતી વખતે તેમના બાઈક આડે અન્ય એક બાઈકમાં જઈ રહેલા રવિ રામ મુન, કિશન કાળુ ગામણા અને કિશન મંગા ગામણા નામના ત્રણ શખ્સોએ બોલાચાલી કરી હતી. આ પછી ડો. તુષાર ગોસ્વામી પુત્રને મૂકીને અહીંના મિલન ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં ઉપરોક્ત ત્રણેય શખ્સોએ તેમને અટકાવી અને બેફામ માર મારી, શર્ટ ફાડી નાખ્યો હતો. આ ઉપરાંત આરોપીએ મૂઠના ઘા મારી, ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


