જામનગર મહાનગરપાલિકાના રણજીતસાગર ઢોરના ડબ્બાનું વિપક્ષ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવતા એક વાછરડુ મૃત મળી આવ્યું હતું. તેમજ ઘાસચારામાં ભેળસેળ સહિતના પ્રશ્ર્નો કોંગે્રસ દ્વારા ઉઠાવ્યા હતાં. આ અંગે જામનગરનાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત કરતા મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ઢોરના ડબ્બાની મુલાકાત લઇ તમામ બાબતો અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
જામનગર મહાનગરપાલિકાના રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાં મંગળવારે વિરોધપક્ષના સભ્યો દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સફાઈનો અભાવ, ઘાસચારામાં ભેળસેળ અને પીવાના પાણી સહિતની સમસ્યાઓનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે બુધવારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તથા જામ્યુકોના મુકેશ વરણવાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કોંગે્રસના સભ્યોને સાથે રાખી ઢોરના ડબ્બાની મુલાકાત લેવામાં આવી હતી અને કોંગે્રસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી.
મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા દ્વારા વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, વિપક્ષી સભ્યો અલ્તાફ ખફી સહિતનાને સાથે રાખી આ મુલાકાત લીધી હતી અને ઢોરના ડબ્બાનું નિરીક્ષણ કરી ઢોરને આપવામાં આવતા ઘાસચારા- પાણી સહિતના મુદ્દે ઢોરના ડબ્બા ખાતે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને કોઇપણ પ્રકારની ખામી ન રહે તે માટે પણ તાકીદ કરી હતી. પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇ વિપક્ષી સભ્યોએ પણ સંતોષ વ્યકત કર્યો હતો.