જામનગરના આંગણે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જામનગરના આંગણે યુવા મુની બે હોઠ ભેગા થાય તેવા એકપણ અક્ષરનો ઉપયોગ કર્યા વિના 60 મીનીટ સુધી પ્રવચન આપશે. આગામી તા.12 ઓકટોબરના રોજ સવારે 8-30 વાગ્યે ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ શરૂ થશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં માહિતી આપવામાં આવી હતી.
આપણે ભાવોને પ્રગટ કરવા ભાષાનું – વાણીનું આ લંબન લેવું પડે છે, ભાષા વાણી વ્યવહારથી જ આપણે વિચારો પ્રગટ કરી શકીએ છીએ! શબ્દો સાથે જોડાણ એવું થઇ જાય કે આપણે કયારે કયાં શબ્દોને બોલીએ છીએ ઘ્યાન નથી હોતુ! આપણો શબ્દો પર પણ સંયમ રહેતો નથી! પણ હવે તો શબ્દ-સંયમનો પદ કેવો મહિમા થઇ શકે તેનું સાક્ષાત ઉદાહરણ નજીકના દિવસોમાં પ્રત્યક્ષ થવા જઇ રહ્યું.
આજથી 350 વર્ષ પહેલા એક જૈન સાધુ મહારાજ ઉપાઘ્યાય યશોવિજયજી મહારાજ ખૂબ વિદ્વાન એમણે ભરસભામાં વાદ-વિવાદ કર્યો હતો. વાદ-વિવાદ એટલે શાસ્ત્રમાં કહેલી વાતોથી સાચી વાત સિદ્ધ કરવી. આ જૈન મુનિએ સંસ્કૃતમાં વાદ-વિવાદ કર્યો. જાણવા લાયક વાત હવે શરૂ થાય છે, આ યશોવિજયજી મહારાજે ભર સભાને કહ્યું, જુઓ… હું આ વાદ વિવાદ શરૂ કરૂ છું. આપને બધાને હું સ્પષ્ટ કહું છું… આ વાદ વિવાદ વખતે એકપણ વાર મારા બન્ને હોઠ ભેગા થાય તેવા એક પણ અક્ષરોનો હું ઉપયોગ નહિ કરૂ..! પ-ફ-બ-ભ-મ આ પ અક્ષરો જ્યારે બોલાય તયારે હોઠ એક બીજાને અડે છે! મારા નીચેના હોઠ પર સિંદુર લગાવુ છું.. જો એક હોઠ બીજાને અડશે તો હું મારી હાર સ્વીકારીશ. ઘણા સમય સુધી સંસ્કૃતમાં વાદ વિવાદ થયો છેલ્લે ઉપાઘ્યાયજી મહારાજનો વિજય થયો અને ભારતની કિર્તીમાં નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું.આવો જ વાણી શકિતનો, શબ્દ સંયમનો કઠીન પ્રયોગ થવા જઇ રહ્યો છે જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ)માં બિરાજમાન પ.પુ.પન્યાસ તારકચંદ્ર સાગરજી મહારાજની નિશ્રામાં માત્ર 19 વર્ષીય યુવામુનિ શ્રમણચંદ્રસાગર મહારાજ આવો પ્રયોગ કરશે. તેઓ 60 મીનીટ સુધી પ્રવચન આપશે જેમાં સંપુર્ણ પ્રવચન દરમિયાન બે હોઠ ભેગા થાય તેવા એક પણ અક્ષર પ-ફ-બ-ભ-મ નો ઉપયોગ કરશે નહીં. સંપુર્ણ પ્રવચનનો વિષય આર્યાવર્તીની ગરીમા અર્થાત ભારતની ભવ્યતાના વિષયનો છે. સંપુર્ણ પ્રવચન હિન્દી ભાષામાં રહેશે જ્યાં સામાન્ય વાણી વ્યવહાર પણ કરી શકતા નથી ત્યાં મુનીશ્રી આવુ દીર્ધ પ્રવચન આપશે. આ કાર્યક્રમ તા.12 ઓકટોબરના રોજ સવારે 8-30 વાગ્યે ટાઉન હોલ ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં જૈનશ્રેષ્ઠિવર્યો અનેક વરિષ્ઠ નાગરીકો કાર્યક્રમને નિહાળવા પધારશે. ઇન્ડિયા બુકસ ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ મુનીશ્રીને શબ્દ સંયમી તરીકેનો વર્લ્ડ રેકોર્ડર જાહેર કરશે.


