ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જેને લઇ જામનગરનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. જામનગર જિલ્લામાં કુલ 12,06,910 મતદારો મતદાધિકારનો ઉપયોગ કરશે. 1 ડિસેમ્બરે યોજાનાર મતદાન પ્રક્રિયા માટે જિલ્લાના પાંચ વિધાનસભા વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ 1287 મતદાન મથકો મંજૂર થયા છે. આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારઘીએ આ અંગે માહિતી આપી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.
આગામી તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી તા.1 ડિસેમ્બરના રોજ યોજાશે. જે અંતર્ગત તા.5 નવેમ્બરના રોજ ચૂંટણી જાહેરનામુ પ્રસિધ્ધ થશે. ત્યારબાદ તા.14 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે. તા.15 નવેમ્બરે ઉમેદવારી પત્રની ચકાસણી થયા બાદ તા.17 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે અને 1 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાશે તથા તા.8 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. જે માટે તા.6 અને તા.13 નવેમ્બરના રવિવારે તથા તા.8 નવેમ્બરની જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોએ 11 થી બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.
જામનગર જિલ્લામાં 6,68,572 પુરૂષ, 5,81,323 સ્ત્રી મતદારો તેમજ 15 અન્ય મતદારો સહિત કુલ 12,06,910 મતદારો નોંધાયા છે. આ પૈકી 11,63,472 ને ફોટો ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. તેમજ કુલ 43,438 મતદારોના એપિક કાર્ડ વિતરણની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ 1287 મતદાન મથકો મંજૂર થયા છે તેમજ બે પૂરક મતદાન મથકો મંજૂર કરવા ચૂંટણી પંચને દરખાસ્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના તમામ મતદાર વિભાગો ખાતે પ્રત્યેક મતદાર વિભાગ માટે સાત સખી મતદાન મથકો, એક પીડબલ્યુડી મતદાન મથક એક મોડેલ મતદાન મથક, એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક તથા એક યુવા અધિકારી સંચાલિત મતદાન મથક રાખવામાં આવ્યું છે.
76-કાલાવડ વિધાનસભામાં 300, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભામાં 279, 78-જામનગર (ઉત્તર) વિધાનસભામાં 230, 79-જામનગર (દક્ષિણ) વિધાનસભામાં 197 તથા 80-જામજોધપુર વિધાનસભામાં 281 મળી કુલ 1287 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ મતદાન મથકો ઉપર 1289 પ્રમુખ-અધિકારી, 1289 પ્રથમ મતદાન અધિકારી તથા બીજા મતદાન અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. 800 થી વધુ મતદારો ધરાવતા દરેક મતદાન મથક ઉપર ત્રીજા મતદાન અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. આ તમામ મતદાન સ્ટાફની નિમણૂંક ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં રેન્ડમાઈઝેશન પધ્ધતિથી કરાશે તેમજ સંસદીય મત વિસ્તારના પાંચ વિધાનસભા મતદાન વિભાગમાં 147 ઝોનલ રૂટ નકકી કરાયા છે અને તે માટે 164 ઝોનલ અધિકારીની નિમણૂંક કરાઇ છે. સમગ્ર ચૂંટણી દરમિયાન દરેક બુથ ઉપર એક ઉપરાંત રિઝર્વ ઈવીએમની જરૂરિયાત રહેશે.
જામનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાન વિભાગમાં રિસીંવીંગ, ડીસપેચિંગ સેન્ટરો રાખવામાં આવ્યા છે. જેમાં 76-કાલાવડ વિધાનસભા માટે ધ્રોલ હાઈસ્કૂલ-ધ્રોલ, 77-જામનગર (ગ્રામ્ય) માટે હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય – જામનગર, 78-જામનગર (ઉત્તર) માટે ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ-જામનગર, 79-જામનગર (દક્ષિણ) માટે પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય-જામનગર તથા 80-જામજોધપુર માટે વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ-લાલપુર ખાતે સેન્ટર રાખવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી-જામનગર ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જેના ટોલ ફ્રી નંબર 1800 233 3681 છે. જેના ઉપર ચૂંટણીને લગતી ફરિયાદો લેવામાં આવશે તેમજ જિલ્લાના લોકો મતદાર યાદીમાં તેમના નામ દાખલ થયેલ છે કે કેમ ? તેની ચકાસણી માટે તેમજ ફોટો ઓળખપત્ર ધરાવે છે કે કેમ ? ફોટો ઓળખપત્ર ધરાવતા હોય તો તેના નંબર મેળવી શકે અને મતદારે ક્યા મતદાન મથકે મતદાન કરવાનું જવાનું છે તેની જાણકારી માટે કલેકટર કચેરીની ચૂંટણી શાખામાં હેલ્પલાઈન શરૂ કરાઇ છે જેના નંબર 1950 છે.
8 ડિસેમ્બરે મત ગણતરી
જામનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા વિભાગોની મત ગણતરી માટે જામનગર શહેરમાં ઈન્દિરા માર્ગ પર ઉપર આવેલ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજનું બિલ્ડિંગ નકકી કરાયું છે. જ્યાં તા.8 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.