દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં આવેલા ગેરેજમાં આજે સવારે વેલ્ડીંગ કામ કરતાં સમયે આગ લાગી હતી. જેમાં બે વ્યક્તિઓ દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં વેલ્ડીંગ કામ કરતાં સમયે લાગેલી આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરતાં 35 જેટલા લોકોના આગમાં ભળથુ થઇ જવાથી મોત નિપજ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ ઘટનાની તપાસ હજૂ ચાલુ છે. ત્યારે મીઠાપુરમાં પણ વેલ્ડીંગ કામ સમયે લાગેલી આગના બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મીઠાપુરમાં આવેલી પોલીસ ચોકીની સામે રહેલા એક વેલ્ડીંગ ગેરેજમાં આજરોજ સવારના આશરે દસેક વાગ્યાના સમયે એકાએક આગ લાગી હતી. થોડી જ વારમાં આ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અહીં રહેલા વાહનો તેમજ અન્ય મુદ્દામાલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ આગના કાળા ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ઈમરજન્સી 108 તેમજ ફાયર ફાયટરના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ આગમાં દાઝી ગયેલા બે વ્યક્તિઓને ખાનગી વાહનો મારફતે મીઠાપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો.