ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશમાં ખંભાળિયા નગરપાલિકા અને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ મતદાન મથકોની મુલાકાત અહીંના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાએ લીધી હતી. તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જી.કે. રાઠોડ અને નાયબ મામલતદાર રણસશીભાઈ ગઢવી જોડાયા હતા.
આ મતદાર યાદી કાર્યક્રમમાં બી.એલ.ઓ.ને મતદાર યાદીમાં નામ ઉમેરવાના કે સુધારા માટે એક પણ ફોર્મ રહી ન જાય અને ક્ષતિરાહીત મતદારયાદી તૈયાર થાય માટે ખાસ માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી.
આ સાથે સાથે એન.વી.એસ.પી., વોટર હેલ્પલાઈન એપ્લિકેશન, અને ગરૂડા એપ્લિકેશનમાં વધુમાં વધુ એન્ટ્રી થાય માટે મતદારોને જાગૃત કરવા કામગીરી તેમજ ગઈકાલે બાકી રહી ગયેલા મતદારોનો સાંજે 5 વાગ્યા પછી અને આવતા 3 દિવસમાં જ ઘરે સંપર્ક કરી ફોર્મ ભરાઈ જાય,18 વર્ષથી વધુ વયના યુવા ભાઈ-બહેનો મતદાર અને 18 થી 29 સુધીના કોઈ વ્યક્તિ ન નામ રહી ન જાય તે માટે ખાસ કાળજી લેવા, તથા જરૂર પડ્યે સામાજિક અને રાજકીય આગેવાનોનો સહકાર લઇને સો ટકા કામગીરી પુર્ણ કરવા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગઈકાલે રવિવારે દ્વારકા જિલ્લાના 658 બી.એલ.ઓ. દ્વારા બુથ ઉપર કામગીરી સાવારે દસ વાગ્યાથી સાંજ સુધી કરવામાં આવી હતી.
71 સેક્ટર ઓફીસર, પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ. વિગેરે દ્વારા તમામ બુથની મુલાકાત લઈ, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગરૂડા એપ્લિકેશન દ્વારા વધુમાં વધુ નોંધણી થાય, અગાઉ આપેલા ફોર્મ ના ચેકલીસ્ટની બી.એલ.ઓ. દ્વારા ખરાઈ થઈ જાય તથા સો ટકા ચૂંટણી કાર્ડ અપાઈ જાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.