જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કારની કાર્યવાહી કરતી મોક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થાના એક કાર્યકર ઉપર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે સિક્યોરિટી ગાર્ડના ચારથી પાંચ જવાનોએ હુમલો કર્યો છે. જેને જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અને સમગ્ર મામલો વહીવટીતંત્ર સમક્ષ લઇ જવામાં આવ્યો છે.
આ બનાવની વિગતો મુજબ જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જેના સભ્ય પૈકીના એક સામાજિક કાર્યકર કિશોરસિંહ જાડેજા આજે બપોરે પોતાનું વાહન પાર્ક કરી રહ્યા તે દરમિયાન જી.જી. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સહીત ચારેક શખ્સોએ લાકડી વડે માર મરાતાં કિશોરસિંહ જાડેજાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
મોક્ષ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ વિક્રમસિંહ ઝાલા સમગ્ર મામલે જી.જી. હોસ્પિટલના તંત્રને તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે. આજે સાંજે પાંચ વાગ્યા પછી મોક્ષ ફાઉન્ડેશનના સભ્યોની સમગ્ર ટિમે હોસ્પિટલ પરિસરમાં આવેલા પાણીના ટાંકાના વિસ્તારમાં આશરો લીધો છે, અને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની કાર્યવાહી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને સોંપવામાં આવી છે. સમગ્ર મામલે વહીવટીતંત્ર વધુ તપાસ કરી રહ્યું છે.