લોકસભાની ચૂંટણી વખતે જ સંખ્યાબંધ નેતાઓ સામે કાર્યવાહી અને તે વિશે રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે દેશભરના ટોચના સેંકડો વકિલોએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર પાઠવીને લોકશાહી માટે ખતરનાક સ્થિતિ નિર્માણ થતી હોવાનું કહ્યું છે ન્યાયતંત્ર તથા ન્યાયિક પ્રક્રિયા પર પણ પ્રચંડ દબાણ હોવાનું જણાવ્યું છે. દેશના વિખ્યાત ધારાશાસ્ત્રીઓ હરિશ સાલવે, મનનકુમાર મીશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિન્કી આનંદ, હિતેષ જૈન, ઉજજવલા પવાર, ઉદય હોલા, સ્વરુપમા ચર્તુવેદી સહિત દેશભરના 600 જેટલા ટોચના વકિલો સાથેની સહી સાથે ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડને પાઠવાયેલ પત્રમાં એવી ગંભીર ચિંતા દર્શાવવામાં આવી છે કે હિત ધરાવતા ચોક્કસ જુથ દ્વારા ન્યાયતંત્ર તથા ન્યાયિક પ્રક્રિયા પર પ્રભાવ પડે તે પ્રકારનું પ્રચંડ દબાણ કરવામાં આવી રહ્યું છે. વકિલોના કહેવા પ્રમાણે આ ચોક્કસ હિત ધરાવતું જુથ ખાસ કરીને રાજકીય નેતાઓ તથા ભ્રષ્ટાચારના કેસોના ન્યાયિક ચુકાદામાં પણ પ્રભાવ પાળવા માટે દબાણની નીતિ અપનાવી રહ્યું છે. આ પ્રકારનું પ્રચંડ દબાણ લોકશાહી તથા ન્યાયિક પ્રક્રિયા પરના વિશ્ર્વાસ માટે ખતરનાક અને જોખમરૂપ છે.
આ ચોક્કસ જાુથની દબાણની નીતિ વિશ્વાસ તથા એખલાસભર્યા માહોલને બગાડી રહ્યા છે અને ન્યાયતંત્રની પ્રક્રિયા-કાર્યવાહીને પણ પ્રભાવિત કરનારા છે તેઓ મુખ્યત્વે રાજકીય કેસોમાં દબાણની નીતિ અપનાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપ-આરોપ ધરાવતા નેતાઓમાં આવા પ્રકારનું દબાણ ઘણું પ્રચંડ છે આવા કદમથી અદાલતોને નુકશાન થવા ઉપરાંત લોકશાહી માટે પણ ખતરારૂપ છે.
તા.26મી માર્ચે ચીફ જસ્ટીસને પાઠવેલા પત્રમાં વકિલોએ એમ પણ કહ્યું કે સ્થાપિત હિતો ધરાવતું આ જુથ અનેક પ્રકારે દબાણો સર્જવાનો પ્રયત્ન કરે છે. અદાલતોના સુવર્ણકાળ તથા ભવ્ય ભૂતકાળ જેવા ગેરમાર્ગે દોરતા દાવાઓ કરીને પ્રવર્તમાન ઘટનાઓ વિરોધી માહોલ ઉભો કરવાનો પ્રયાસ થાય છે.
પત્રમાં એમ કહેવાયું છે કે, રાજકીય એજન્ડા સિધ્ધ કરવા માટે ન્યાયતંત્ર અને ન્યાયિક પ્રક્રિયા પર દબાણની સાથોસાથ અદાલતોને નુકશાન કરવામાં આવી રહ્યું છે. અદાલતી ચુકાદાના સંબંધમાં ઇરાદાપૂર્વકના નિવેદનો કરવામાં આવે છે. રાજકીય લાભ લેવાનો જ તેઓનો ઉદેશ છે.કેટલાંક વકિલો દિવસે રાજકારણીઓનો બચાવ કરતા હોય છે અને રાત્રે ન્યાયાધીશોને પ્રભાવિત કરવા માટે રાત્રે મીડિયા મારફત પ્રયાસ કરે છે તે અત્યંત ચિંતારૂપ છે. જે દેશોમાં કાયદાનું શાસન નથી ત્યાંની ભારતીય અદાલતો સાથે સરખામણી કરવામાં આવે છે અને આપણી ન્યાયિક સંસ્થાઓ પર આંગળી ચિંધવામાં આવે છે. આ માત્ર ટીકા નથી હોતી પરંતુ ન્યાયતંત્ર પરના જાહેર વિશ્ર્વાસને નુકશાન કરતા સીધો હુમલો જ છે.
વકિલોએ એમ પણ કહ્યું કે રાજકારણી ભ્રષ્ટાચાર માટે કોઇ સામે આરોપ લગાવે છે અને પછી કોર્ટમાં તેનો બચાવ કરતા જોવા મળે છે. કોર્ટનો ચુકાદો તરફેણમાં ન આવે તો અદાલતમાં જ અને મીડિયા મારફત ટીકા કરે છે. બે મોઢાનું આ વર્તન સામાન્ય લોકોના વિશ્ર્વાસ માટે હાનિકારક છે.
આ જ રીતે કેટલાંક તત્વો સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને જજો પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે તે અદાલતોની ન્યાયિક પ્રક્રિયા તથા કાયદાના સિદ્ધાંતો માટે ખતરનાક છે. દેશમાં લોકસભાની ચૂંટણી ટાણે જ આ પ્રકારની મોડસ ઓપરન્ડી ઘણી સૂચક અને ગર્ભિત હોવાનું પણ દર્શાવ્યું છે.