ખંભાળિયાના રામનાથ પૂલ પાસેના રસ્તા પરથી પસાર થતા જીજે-05- બીટી-5040 નંબરના એક ડમ્પરને ગઈકાલે રવિવારે એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અટકાવી, ચેકિંગ કરી આ ડમ્પરના ડ્રાઇવર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈશરા ગામના રહીશ કેવલ જેઠાભાઈ ભીંભાની પૂછપરછ તથા ટ્રકની તપાસ દરમિયાન આ ટ્રકમાં રેતીનો જથ્થો વહન કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે રોયલ્ટીની પૂછતાછ કરવામાં આવતા તેની પાસે 9,600 કિલોગ્રામ રેતી અંગેની રોયલ્ટી હતી. પોલીસ સ્ટાફ દ્વારા અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે રહેલા વજન કાંટામાં આ આખા ડમ્પરનું વજન કરવામાં આવતા કુલ 31,825 કિલોગ્રામ હોય, આથી ઉપરોક્ત ડમ્પરમાં 14,225 કિલોગ્રામ આધાર પુરાવા વગરની વધારાની રેતી હોવાનું ખુલવા પામ્યું હતું.
આથી પોલીસે કુલ રૂા. 10.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી, આ બાબતે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી, ખંભાળિયા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરાવી હતી. આ સમગ્ર કાર્યવાહી એસઓજી વિભાગના રાજેન્દ્રસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, હરપાલસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.