જામજોધપુર ગામમાં ગંજીવાડા વિસ્તારમાં ઠકકરબાપા રોડ પર જૈન દેરાસર પાસે રહેતા લોહાણા વૃધ્ધા સોમવારે સવારના સમયે તેના ઘરે હતાં ત્યારે અજાણ્યા શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો અને વૃધ્ધાના ગળામાં પહેરેલ રૂા.70 હજારની કિંમતનો સોનાનો ચેઇનની લૂંટ ચલાવી નાશી ગયો હતો.
મળતી વિગત મુજબ, જામજોધપુર ગામમાં ગંજીવાડો ઠકકરબાપા રોડ પર આવેલા જૈન દેરાસર પાસે રહેતા પ્રફુલ્લાબેન ગોપાલદાસ રાજાણી (ઉ.વ.68) નામના વૃધ્ધા સોમવારે સવારે તેના ઘરે રસોડામાં હતા ત્યારે એક અજાણ્યા શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો અને રસોડામાં આવી વૃધ્ધાએ ગળામાં પહેરેલ રૂા.70 હજારની કિંમતના સોનાના બે તોલાના ચેઈનની લૂંટ ચલાવી અપશબ્દો બોલી ધકકો મારી પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપી ગણતરીની સેક્ધડોમાં જ પલાયન થઈ ગયો હતો.ત્યારબાદ વૃધ્ધાએ બુમાબુમ કરતા લોકો એકઠાં થઈ ગયા હતાં અને બાદમાં જાણ કરાતા ઈન્ચાર્જ પીઆઈ કે.સી. વાઘેલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભોગ બનેલા વૃધ્ધાના નિવેદનના આધારે અજાણ્યા લૂંટારુ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.