મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, જામનગર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યમંત્રી મનીષાબેન વકીલે જામનગર વહીવટ તંત્ર તરફથી રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓ અને પ્રવૃતિઓ જેમ કે સગર્ભા માતાઓ અને કિશોરીઓ માટે રેગ્યુલર હિમોગ્લોબીન ચેકઅપ, મમતા દિવસની ઉજવણી, પા પા પગલી યોજના, આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવતું થીમ બેઝડ પ્રાથમિક શિક્ષણ, કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ, આંગણવાડીઓ દ્વારા ચાલતી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, બેટી બચાવો બેટી પઢાવો યોજના, દીકરીના જન્મ સમયે વધામણાં, સાફલ્ય ગાથા, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી તેમજ લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક ડો. ઘનશ્યામ વાઘેલા, આઇ.સી.ડી.એસ. પ્રાદેશિક નાયબ નિયામક અંકુરબેન વૈદ્ય, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર બિનલબેન સુથાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ગૌરીબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (ગ્રામ્ય) હંસાબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર) સોનલબેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન, આંગણવાડીના બહેનો તેમજ અન્ય અધિકારીઓ હાજર રહયા હતા.