મચ્છર થી મહાત્મા ગાંધીજી સુધીના જુદાં જુદાં 100 થી વધારે આંબાઓ બનાવનાર ભાણવડ (રણજીત પરા, પ્રકાશ નગર) ના રહેવાસી દિપકભાઈ વિસાવાડિયાએ આઝાદીના 75 માં વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીનું અમૃત મંથન” નામથી એક આંબો બનાવ્યો છે. જેની 17 x 10 ફૂટની સાઈઝ છે. આ આંબામાં એવી ચળવળો દર્શાવી છે કે જેમના થકી દેશને આઝાદી મળી. 1947 થી 2021 સુધીની 75 ઘટનાઓ, 75 જાણી – અજાણી બાબતો જે વિશ્વમાં ભારતને વિશેષ બનાવે છે. ભારત દેશના સૌથી મોટા લેખિત બંધારણની વિગત તથા બંધારણમાં થયેલા મહત્વના સુધારાઓની વિગત, 1947 થી 2022 સુધી તમામ વડા પ્રધાનોની વિગત, ભારતના સર્વે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની વિગત, ગુજરાતના તમામ મુખ્યમંત્રી, નાયબ મુખ્ય મંત્રીની વિગત દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત 75 વર્ષમાં બનેલી મહત્વની ઘટનાઓના ફોટોગ્રાફ પણ મુકવામાં આવ્યા છે. 15 ઓગસ્ટના દિવસે વડા પ્રધાનો દ્વારા કરવામાં આવેલા સંબોધન પણ દર્શાવવામાં આવ્યા છે.
તે ઉપરાંત ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય પક્ષી મોર તથા રાષ્ટ્રીય ચિહ્નનની વિગત દર્શવવામાં આવી છે. ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાની મહત્વની બાબતો પણ મુકવામાં આવી છે.આ આંબો બનાવવામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.