જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતી રીક્ષાને આંતરીને તલાસી લેતા તેમાંથી દારૂની બોટલો અને રીક્ષા સહિતનો કુલ રૂા.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના ભાનુશાળી વાડમાં રહેણાંક મકાનમાંથી શખ્સને દારૂના 40 નંગ ચપટા સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના ખોડિયાર કોલોનીમાંથી પસાર થતા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલ માલધારી હોટલ પાસે પાર્ક કરેલી જીજે-03-બીયુ-2232 નંબરની સીએનજી રીક્ષામાં દારૂનો જથ્થો હોવાની જાણના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રીક્ષામાં તલાસી લેતા તેમાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે દારૂ અને રૂા.1,20,000 ની કિંમતની રીક્ષા મળી કુલ રૂા.1,21,500 નો મુદ્દામાલ કબ્જે કરી સહદેવસિંહ ઉર્ફે સધ્ધે મદારસિંહ જાડેજા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના ભાનુશાળી વાડ શેરી નં.1 માં રહેતા અજય ઉર્ફે લાલો ભરત કનખરા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આઇ.આઈ. નોયડા તથા સ્ટાફે તલાસી લેતા મકાનમાંથી રૂા.4800 ની કિંમતના ઈંગ્લીશ દારૂના 40 નંગ પ્લાસ્ટિકના ચપટા મળી આવતા અજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસેથી પસાર થતા રાજપાલસિંહ રણજિતસિંહ જાડેજા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી દારૂની બોટલ કબ્જે કરી હતી.