જામનગર શહેરમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાત થતું હોવાની માહિતીના આધારે દવાની કંપનીના કર્મચારીઓએ પોલીસમાં જાણ કરી હતી અને આ સ્થળે તપાસ દરમિયાન દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, વિક્રેતાએ આ દવાઓ ફિલપકાર્ટ પરથી ખરીદી હોવાનું જણાવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જંતુનાશક દવા બનાવતી કંપનીને જામનગર શહેરમાં ડુપ્લીકેટ દવાઓનું વેચાણ કરાતુ હોવાની મળેલી માહિતીના આધારે કંપનીના કર્મચારીઓ શુક્રવારે સાંજે જામનગર આવી પહોંચ્યા હતાં અને આ અંગે પોલીસમાં પણ જાણ કરી હતી. બાદમાં કંપનીના કર્મચારીઓ દ્વારા જામનગરમાં ન્યુ ભાનુ પેટ્રોલ પંપ નજીક આવેલી નેશનલ એગ્રો ટે્રડર્સ નામની દુકાનમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ અંગે તપાસ હાથ ધરી હતી અને દુકાનમાંથી આશરે એક લાખની કિંમતની દવાઓ મળી આવી હતી. કંપની દ્વારા દુકાનમાં ડુપ્લીકેટ દવાઓ અંગે તપાસ હાથ ધરાતા લોકો એકઠાં થઈ ગયા હતાં અને જો કે, આ મામલે દુકાનદારે એવું જણાવ્યું હતું કે, તેણે આ દવાનો જથ્થો ફિલપકાર્ટ સાઈટ પરથી ઓનલાઈન ખરીદી કરી હતી અને ઓનલાઈન પર ખરીદી કર્યાના બીલો પણ રજૂ કર્યા હતાં. હવે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.