દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયા ખાતેથી પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી અને તેના કબ્જામાંથી હેરોઇન મળી આવ્યું હતું ત્યારબાદ પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે, પાકિસ્તાનથી આવેલું આ હેરોઇન પંજાબ કનેકશન ધરાવે છે. ત્યારબાદ તાજેતરમાં પંજાબ પોલીસે ઝારખંડમાંથી એક પંજાબી શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ પાકિસ્તાનથી ભારતમાં હેરાઇન ઘુસાડતો હતો અને વિદેશોમાં મોકલતો હતો. પાછલાં 2.5વર્ષમાં આ શખ્સે પાકિસ્તાનમાંથી ભારતમાં 500 કિલો હેરોઇન ઘુસાડયું હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
છેલ્લાં અઢી વર્ષ દરમિયાન કરોડો રૃપિયાના ડ્રગ્સની ભારતમાં ઘૂસણખોરી કરનારા ખુંખાર આરોપી ગેવી સિંહની પંજાબ પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી લીધી હતી. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે અઢી વર્ષમાં ગેવી અને તેના સાગરિતોએ 500 કિલો હેરોઈન ભારતમાં ઘૂસાડયું હતું.
પંજાબ પોલીસ વડા દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેવી સિંહે છેલ્લાં અઢી વર્ષમાં હથિયારો અને લગભગ 500 કિલો હેરોઈન પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસાડયું હતું, તે અને તેના પાંચ સાગરિતો પકડાયા હતા. આ મોસ્ટ વોન્ટેડ સ્મલગરને ઝારખંડ અને પંજાબની પોલીસે સંયુક્ત ઓપરેશન દરમિયાન પકડી લીધો હતો.
પંજાબ પોલીસના કહેવા પ્રમાણે આ આરોપીની ધરપકડ ગત મહિને 26મી એપ્રિલે થઈ હતી. ગેવી સિંહે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી એ પ્રમાણે તેણે અત્યાર સુધીમાં દિલ્હી, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હતો. એમાં તેની મદદમાં પાંચ સાગરિતો રહેતા હતા. એ પાંચેયની પણ પંજાબ પોલીસે થોડા દિવસ પહેલાં ધરપકડ કરી હતી.
પંજાબ પોલીસના કહેવા પ્રમાણે આ બધા જ આરોપીઓ સામે અલગ અલગ જિલ્લામાં વિવિધ કેસ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે ડ્રગ્સનો 1.25 કિલો જથ્થો અને બંદૂકો સાથે ગેવી સિંહના સાગરિકોને પકડી લીધા હતા.
ગેવી સિંહ પાસેથી પોલીસે માહિતી મેળવી હતી એ પ્રમાણે ભારત-પાકિસ્તાનની સરહદે અસંખ્ય તસ્કરો ડ્રગ્સ ઘૂસાડવાની પેરવીમાં તૈનાત રહે છે. નવા નવા રસ્તાઓનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવે છે. આ આરોપીએ તો એવો ય ઘટસ્ફોટ કર્યો હતો કે આયાત-નિકાસમાં સંકળાયેલી દિલ્હીની ઘણી કંપનીઓના ક્ધસાઈન્મેન્ટમાં ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન સ્થિત વ્યક્તિઓ સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચે છે. આ કંપનીઓને ઓળખી લેવા માટેની પ્રક્રિયા પણ પોલીસે હાથ ધરી હતી.
ગેવી સિંહે નકલી ટ્રાવેલ એજન્સીની મદદથી નકલી ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તે ભારતમાંથી ભાગીને પોર્ટુગલ પહોંચી જવાની પેરવી કરી રહ્યો હતો. એ જ સમયગાળામાં પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે સંડોવાયેલા તમામ આરોપીઓ સુધી પહોંચવાની પ્રક્રિયા હાથ ધરી હતી.