ખંભાળિયા – જામનગર દાદા ગામની ગોલાઈ પાસે આવેલા મામાદેવના મંદિર પાસે સામરાજ બેવરેજીસ નામના ઠંડા પીણાના કારખાનામાં લાલપુર તાલુકાના ચારણતુંગી ગામના મૂળ રહીશ રાજશી ફોગા કંડોરીયા નામના શખ્સ દ્વારા ચોક્કસ કંપનીની બે સબ પ્રોડક્ટના ઠંડા પીણા પોતાની ફેક્ટરીમાં ટ્રેડમાર્ક અને લાયસન્સ સિવાય સ્ટીકર, બોટલની સાઈઝ, અક્ષરોના ફોન્ટ તથા કલર કોમ્બિનેશન એક સરખા રાખીને આરોપીએ દાવત કંપનીની કોઈપણ પ્રકારની મંજૂરી કે અનુમતી વગર કોપી કરી અને વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે જુનાગઢના વાડલા ફાટક ખાતે રહેતા દિલીપભાઈ રજનીકાંતભાઈ ભટ્ટ (ઉ.વ. 51) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આરોપી રાજશી ફોગા કંડોરીયા (હાલ રહે. મીરા ગેસ્ટ હાઉસ પાછળ, કુંભારવાડો, ખંભાળિયા) સામે કોપી રાઈટ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયાએ હાથ ધરી છે.