ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં રઘુવંશી ચોકડી નજીક ગુરૂવારે બપોરે કેબીનમાં પેટ્રોલ લેવા આવેલા ગ્રાહકે ભાવ વધુ લેવા અને પ્રમાણમાં ઓછું આપવા મુદે વેપારી સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા વેપારીએ ગ્રાહકના શરીર પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દેતાં પેટ્રોલ લેવા આવેલો યુવાન આખા શરીરે દાઝી ગયો હતો. એ દરમિયાન વેપારી પણ પેટ્રોલ ઉડ્યું હોવાથી તેના પણ હાથ દાગી ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. દાઝેલા યુવાનને 108 એમ્યુલન્સથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીય વધુ લથડતાં અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે સવા વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ભુજના કૈલાસનગરમાં રહેતા પરેશભાઇ દામજીભાઇ પરમાર (ઉ.વ.40) રઘુવંશીનગર ચોકડી પાસે પાનબીડી સાથે અન્ય પરચુરણ ચીજવસ્તુ વેચાણની કેબીન ધરાવતા ઘનશ્યામભાઇ કરશનભાઇ ઠકકર પાસે આવ્યા હતા. આ બન્ને વચ્ચે બુધવારે પેટ્રોલ મુદે ઝગડો થયો હતો. વેપારી ઘનશ્યાભાઇ પેટ્રોલનો વધુ ભાવ લેતા હોવાનું અને પ્રમાણમાં ઓછું આપતા હોવા મુદ ચકમક ઝરી હતી. દરમિયાન ગુરૂવારે પરેશભાઇ ફરી ઝગડો કરવા આવ્યો હતો. ઘનશ્યામભાઇ સાથે તકરાર કરી હતી.
જેથી ઉસ્કેરાયેલા વેપારી ઘનશ્યામભાઇએ ગ્રાહક પરેશભાઇ પર પેટ્રોલનું ડબલું છાંટી દીધું હતું અને દિવાસળી સળગાવી પરેશભાઇ પર ફેંકતાં પરેશભાઇના શરીર પર આગ ભભૂકી ઉઠી હતી. એ દરમિયાન વેપારીને પણ પેટ્રોલ ઉડ્યું હોવાથી તે પણ હાથમાં દાઝી ગયા હતા. ઘનશ્યામભાઇ રાવલવાડી પાણીના ટાંકા પાસે રહે છે અને એકલવાયું જીવન નિર્વાહ કરે છે તેમને અગાઉ એસટીમાંથી ફરજ મોકુફ કરી દેવાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
ગંભીર રીતે દાઝેલા પરેશને તાત્કાલિક 108ની મદદથી હોસપિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન ઘટનાને પગલે આસપાસની દુકાનો માલિકોએ પોતાની દુકાનો બંધ કરી ચાલ્યા ગયા હતા. દાઝેલા યુવાન પરેશની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા છે. એ ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ પરથી બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.