જામનગરના માજી સૈનિક મંડળના સભ્ય ઉપર તેમના પાડોશી દ્વારા કરવામાં આવેલ હુમલાના વિરોધમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીની તાત્કાલિક અટકાયત કરી કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.
હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ જામનગર દ્વારા ગઇકાલે કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, માજી સૈનિક મંડળના સભ્ય અને માજી સૈનિક માવજીભાઇ મયૂરભાઇ ડાભી ઉપર ગત તા. 6ના રોજ રાત્રીના સમયે તેમના પાડોશી વજુભાઇ રાજશીભાઇ તથા પ્રવિણભાઇ રાજશીભાઇ અને અન્ય આઠ શખ્સો દ્વારા ગેરકાયદે મંડળી રચીને જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. અગાઉ પણ આ શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી. પરંતુ તેમના પર કોઇપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિરશહિદ પરિવાર સાથે અવાર-નવાર આવી ઘટનાઓ બને છે. આથી વિરશહિદ પરિવાર ઉપર હુમલો કરનાર શખ્સોની અટકાયત કરી તેમની વિરુધ્ધ કડક કાર્યવાહી કરી કડક સજા કરવા માગણી કરવામાં આવી છે. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ સહિતના હોદ્ેદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.