ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ સર્જ્યો છે. 121 વર્ષ બાદ જૈવલિન થ્રોની સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્યારે જુનાગઢ ગીરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ પણ એક મોટી જાહેરાત કરી છે. જેમાં નીરજ નામની વ્યક્તિને 20 ઓગસ્ટ સુધી રોપ-વેની સફર માણવા માટે પૈસા નહિ ચુકવવા પડે.
ગોલ્ડ મેડલ વિજેતા નીરજના સન્માનમાં જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ ખાસ ઓફર બહાર પાડી છે. જે વ્યક્તિનું નામ નીરજ હશે એ 20 ઓગષ્ટ સુધી ગીરનાર રોપ-વેની નિઃશુલ્ક સફર માણી શકશે. ઉષા બ્રેકો કંપનીએ ખુશી વ્યકત કરતા એક મોટી જાહેરાત કરી હતી. જેમા રોપ – વે કંપનીના અધિકારી દીપક કપલીસે જણાવ્યું હતું કે નીરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપ – વેમાં નીરજ નામના કોઇ પણ વ્યક્તિને રોપ – વે ની સફર ફ્રી કરી દેવામાં આવી છે.
અંતે ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિક રમતોમાં 13 વર્ષ બાદ ભારતને ગોલ્ડ મળ્યો છે. ભાલાફેંકની સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.