ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા વેપારી યુવાને વ્યાજે લીધેલી રકમ માટે નવ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી કોરા સહીવારા ચેકો મેળવી ત્રાસ આપતા યુવાન ગામ મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ વ્યાજખોરોએ યુવાનના પિતાને ધમકી આપી જમીનનો દસ્તાવેજ કરાવી લેતા વૃદ્ધે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ હાથ ધરાયેલી ઝુંબેશમાં કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના ખેડૂત યુવાને એક વ્યાજખોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં 6 લાખની રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં ખેડૂત યુવાન પાસેથી બળજબરીપૂર્વક ધમકી આપી નાણાંની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, મોરબીના શનાળામાં રહેતો અને મૂળ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામનો વતની બકુલ રવજીભાઈ રાસમીયા (ઉ.વ.42) નામના પટેલ વેપારી યુવાને પાંચેક વર્ષ પહેલાં સાગર જેન્તી પટેલ, (લુણસર ગામ), હસમુખ કાનજી મિયાત્રા (દહીસરા ગામ), મહેશ નારણ ડાવેરા (ફડસણ ગામ), ભરત જીવણ સોઢીયા (ફડસણ ગામ), ભગીરથ ઉર્ફે લાલજી કિશોર ધ્રાંગા (મોરબી), અશ્ર્વિન ગોવિંદ રાઠોડ (મોરબી), લાખા ગોવિંદ રાઠોડ (મોરબી), યશ ભીમજી રાણપરિયા (સજનપર), લાલા કરણા આલ નામના નવ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે લીધેલી વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી યુવાન પાસેથી બળજબરીપૂર્વક બેંકના કોરા ચેકોમાં સહિ કરાવી અને નોટરી રૂબરૂ રૂપિયાનું લખાણ કરાવી ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હતાં. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બકુલ ઘર છોડીને જતો રહ્યો હતો.
ત્યારબાદ વ્યાજખોરોએ યુવાનના પિતાને ધમકાવી પઠાણી ઉઘરાણી કરતા હતાં. તેમજ ધાક-ધમકી આપી જમીનનો દસ્તાવેજ કરાવી લઇ બળજબરીપૂર્વક વધુ રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનના પિતાને મરી જવા મજબુર કરતા રવજીભાઈ વેલજીભાઈ રાસમીયાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે બકુલ દ્વારા નવ વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતાં રસિક કેશવજી સાંગાણી નામના ખેડૂત યુવાને તેના જ ગામના મનસુખ નરશી પાડલિયા પાસેથી વર્ષ 2017 માં છ લાખની રકમ અઢી ટકા વ્યાજે લીધી હતી અને આ રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર મનસુખે રસિકભાઈ પાસેથી લીધેલા બેંક ઓફ બરોડા કાલાવડ શાખાના ચેક પરત કરાવી પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી અને ઉઘરાણી માટે શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. આ બનાવ અંગે રસિકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.