જામનગરમાં વર્ક ફોર્મ હોમના નામે ટેલીગ્રામમાં ફેક ગ્રુપ બનાવી તેના નામે ફેક મુવી રેટીંગ વેબસાઇટ બનાવી ઠગાઈ કરતા એક શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સુરતથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા વ્યક્તિને ટેલીગ્રામમાં પાર્ટટાઈમ જોબ ઓફર મેસેજ આવ્યા હતાં. જેમાં ઘરે બેઠા જોબ કરવી હોય તો મુવી રેટીંગનું બીઝનેસ છે જે બીઝનેસમાં મુવીની ટીકીટ ખરીદી રેટીંગ આપવું પડશે તેનું કમિશન મળશે અને ટીકીટીંગ રેટીંગમાં પ્રતિદિવસ 2500 થી 5000 જેટલી આવક મળશે તેવું જણાવી જોબ ઓફર મારફતે ફેક વેબસાઈટમાં લોગીન કરાવી રજીસ્ટે્રશન માટે મોબાઇલ નંબર ઉપર ઓટીપી પાસવર્ડ સેટ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવી તથા ટેલીગ્રામ ગુ્રપના મેમ્બર બનાવી તેમાં 28 ટિકિટ મેળવી ટિકીટ ખોલી તેમાં રેટીંગ અપાવી ફરિયાદીના ખાતામાં ડબલ પૈસા જમા કરાવી ફરિયાદીને વધુને વધુ ટીકીટની ખરીદી કરાવી કટકે કટકે પૈસા ભરાવ્યા હતાં તેમજ તે રૂપિયા પરત મેળવવા માટે જણાવેલ કે, તમારી લેણી રકમ વધુ હોવાથી 50 ટકા સરચાર્જ ભરવો પડશે જેથી ફરિયાદી પાસેથી વધુ રકમ ભરાવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન મુજબ, સાયબર ક્રાઈમના પીઆઇ પી પી ઝાની ટીમ આ અંગે તપાસમાં હતી આ દરમિયાન આરોપીના એકાઉન્ટની ડિટેઈલના આધારે તેનું એનાલીસીસ કરતા આરોપીના લોકેશન સુરતના આવતા હોય સાયબર ક્રાઇમની ટીમના હેકો પ્રવણભાઈ વસરા, કુલદિપસિંહ જાડેજા, એલઆરપીસી જેસાભાઈ ડાંગર, વીકીભાઈ ઝાલા દ્વારા સ્મીત ઝવેર પટોળીયા નામના શખ્સને સુરતથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.