શેરબજારમાંં રોકાણ કરવાના બહાને બનાવટી એપ્લીકેશન મારફતે છેતરપિંડી આચરતી ગેંગના એક શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટ ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને આરોપીઓએ વોટસએપ આઈડી પર મેસેજ કરી શેરખાન મેકસ ટે્રડીંગ કંપનીના શેરમાર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવવા તેમજ આઈપીઓ પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી મેકસ ટે્રડીંગ કંપનીની બનાવટી એપ ફરિયાદીના મોબાઇલમાં ઈન્સ્ટોલ કરાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશનથી રૂા.60 લાખ 36 હજાર ટ્રાન્સફર કરાવી બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવી ફરિયાદીએ પોતાના રોકાણ કરેલા રૂપિયા વીડ્રો કરતા બનાવટી એપમાંથી રૂપિયા વીડ્રો ન થતા આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદને લઇ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઇ આઈ એ ધાસુરાની સૂચના મુજબ સાયબર ક્રાઈમ પોલીસ તપાસમાં હતી આ દરમિયાન આ કેસનો આરોપી રાજકોટ હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેકો પ્રણવભાઈ વસરા, હેકો ભગીરથસિંહ જાડેજા, પો.કો. દર્શિતભાઈ સિસોદીયા, એલઆરપીસી વીકીભાઈ ઝાલા સહિતના સ્ટાફે રાજકોટ ખાતેથી અમિત કિશોર ખખરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.