કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં આવેલા હોલી-ડે સીટીમાં ફ્લેટના તાળા તોડી ગેરકાયદેસર કબ્જો કરી કલરકામ અને સરસામાન મુકી રાજકોટના શખ્સે કબ્જો જમાવી બિલ્ડરને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં કલેકટરને કરાયેલી અરજી બાદ પોલીસે રાજકોટના શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ રાજકોટમાં રૈયા ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા જિતેન્દ્ર ઉર્ફે જીતુભાઇ કુંવરજીભાઇ મારૂ નામના બિલ્ડરની કાલાવડ તાલુકાના શિશાંગ ગામના રેવન્યુ સર્વે નંબર 151માં આવેલા હોલી-ડે સિટી માં ફ્લેટ નંબર એ-33ના વર્ષ 2021માં રાજકોટમાં આર્યનગર મેઇન રોડ પર રહેતા ખોડુ સામંત મૂંધવા નામના શખ્સે ફ્લેટના તાળા તોડી કબ્જો જમાવી ફ્લેટમાં કલરકામ અને સરસામાન રાખી રહેવા લાગ્યો હતો.
ત્યારબાદ જીતેન્દ્ર દ્વારા ફ્લેટ ખાલી કરવા જણાવતા ખોડુએ અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેથી બિલ્ડરે આ બનાવ અંગે જામનગર કલેકટરને ફ્લેટ પચાવી પાડ્યા સંદર્ભે અરજી કરી હતી. આ અરજી બાદ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ખોડુ સામંત મૂંધવા નામના શખ્સ વિરૂધ્ધ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને આ ગુના સંદર્ભે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇએ શખ્સની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.