જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતાં પ્રૌઢે તેની પુત્રીના લગ્ન ત્રણ વર્ષ પહેલાં કર્યા હતાં અને આ લગ્ન માટે લેણુ વધી ગયું હોવાથી પત્નીના મૃત્યુ બાદ પુત્રના લગ્ન ન થયા હોય જેથી આર્થિક સંકળામણથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતા જગદીશભાઈ ધનજીભાઈ પનારા (ઉ.વ.55) નામના પ્રૌઢને એક પુત્ર અને એક પુત્રી હતાં. જેમાં દિકરીના લગ્ન ત્રણ વર્ષ પહેલાં કર્યા હતાં અને પુત્રના લગ્ન કરવાના બાકી હતાં. દરમિયાન દિકરીના લગ્ન સમયે લીધેલું લેણું વધી ગયું હતું. જેના કારણે થોડા સમયથી ચિંતામાં અને ગુમસુમ રહેતાં હતા તેમજ આ સમય દરમિયાન તેમની પત્નીનું મોત નિપજ્યું હતું. જેના કારણે એકલવાયા જીવનથી અને આર્થિક તથા માનસિક સંકળામણથી કંટાળીને ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે છતના નખૂચામાં મફલર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગે મૃતકના ભાઈ અરજણભાઈ પનારા દ્વારા જાણ કરાતા હેકો એચ.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.