ખંભાળિયા – જામનગર હાઈ-વે પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામ નજીકથી જીજે-10-બીઆર-7727 નંબરની અલ્ટો મોટરકારમાં પોલીસે ચેકિંગ કરતા આ કારમાંથી એક તલવાર મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા એક લાખની કિંમતની મોટરકાર તથા તલવાર સહિતના મુદ્દામાલ સાથે અત્રે હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા દીપેન જીતુભાઈ ઘાવડા (ઉં.વ. 20) નામના શખ્સની અટકાયત કરી, તેની સામે ગુનો નોંધ્યો હતો.
આ ઉપરાંત આ જ વિસ્તારમાંથી પોલીસે જામનગર તાલુકાના સાપર ગામે રહેતા બલદેવ સવદાસભાઈ ગોરાણીયા (ઉ.વ.36) નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂા. 50,000 ની કિંમતની મહિન્દ્રા કંપનીની મોટરકાર લઈને નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્યો હતો. ખંભાળિયાની સરકારી હોસ્પિટલ પાસેથી પીધેલી હાલતમાં રૂપિયા 40 હજારની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા સલાયાના અલ્તાફ ઈશાક ઉર્ફે અબ્બાસભાઈ નામના 28 વર્ષના શખ્સ સામે ખંભાળિયા પોલીસે એમ.વી. એક્ટ તથા પ્રોહિબિશન એક મુજબ કાર્યવાહી કરી હતી. ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા અમિત હમીરભાઈ કેશવાલા નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂા.10,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.