જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાંથી આજે વધુ એક વખત તાજુ જન્મેલું નવજાત શીશુ મળી આવતા ચકચાર જાગી હતી. આ બાળક મળી આવ્યાની ઘટનામાં પોલીસે અજાણી મહિલા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી કડકડતી ઠંડી અને બેઠાં ઠારને કારણે જનજીવન ખોરવાયું છે. ત્યારે આવી ઠંડીમાં એક નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા નવજાત શિશુને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ભગવાન ભરોસે તરછોડી દઇ નાશી ગઈ હતી. આજે સવારે હોસ્પિટલ પાસેથી તાજુ જન્મેલું નવજાત શિશુ મળી આવ્યાની ઘટના બાદ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને નવજાત શિશુને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી નિષ્ઠુર બની બાળકને તરછોડી નાશી ગયેલ મહિલા વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. દુ:ખદ બાબત એ છે કે, આવી ઘટનાઓમાં જી. જી. હોસ્પિટલનો સિકયોરિટી સ્ટાફ અને વોર્ડમાં પ્રસૃતિ વિભાગના કર્મચારીઓની કેટલી બેદરકારી ગણી શકાય ? કેમ કે જન્મ આપ્યા પછી થોડા જ સમયમાં મહિલા તેના નવજાત શિશુને લઇને બહાર જઈ બાળકને તરછોડી નાશી ગઈ હતી. જો કે, પોલીસે આ બનાવમાં તપાસ આરંભી હતી.