જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા રાજપાર્કમાં રહેતાં કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીની પુત્રીને બાજુમાં રહેતો શખ્સ છ માસથી પરેશાન કરતો હતો. દરમિયાન યુવતી સ્નાન કરતી હતી તે દરમિયાન કોઇ કેમીકલ છાંટતા બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેવામાં આવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં રાજપાર્ક શેરી નં.1 પ્લોટ નં.4 માં ચામુંડા કૃપા મકાનમાં રહેતા અને જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ કાચાની પુત્રી કૃપા તેના ઘરે બાથરૂમમાં સ્નાન કરતી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા ચંદ્રેશ જગદીશભાઈ ખેતાણીએ બાથરૂમની બારીમાંથી યુવતી પર કોઇ કેમિકલ છાંટી દીધું હતું. જેના કારણે તેણી બેશુધ્ધ બની ગઈ હતી. ઉપરાંત શરીરે બળતરા ઉપાડતા આંખે અંધારા આવી ગયા હતાં. આ મામલે 108 ની ટીમને જાણ કરાતા 108 ની ટીમ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવતીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણી સારવાર હેઠળ છે.
આ બનાવ મામલે પાડોશી ચંદ્રેશ અને તેના પિતા જગદીશના છેલ્લાં છ મહિનાના ત્રાસથી કંટાળી જઈ મહેન્દ્રભાઈ કાચા એ આખરે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે અને રક્ષણની માગણી કરી છે. આ બનાવને લઇને સમગ્ર રાજપાર્ક વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી છે.
જામનગરમાં સ્નાન કરતી યુવતી ઉપર પાડોશી શખ્સે કેમિકલ છાંટયું
છ માસથી શખ્સ અને તેના પિતા દ્વારા ત્રાસ : યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ: પોલીસ દ્વારા તપાસ