દિવાળીનો તહેવાર આવી ચૂકયો છે. દરવર્ષે શહેરીજનો દિવાળી દરમિયાન ઘર આંગણે આકર્ષક રંગોળીઓ કરતાં હોય છે. ત્યારે જામનગરમાં વાલકેશ્ર્વરી ખાતે રહેતાં રિધ્ધિબેન શેઠ દ્વારા રંગોળીના માધ્યમથી શહેરના જાણીતા કવિ-લેખક હરકિશન જોશીને શ્રધ્ધાંજલિ આપવા તેમના શબ્દોને દ્રશ્યમાન કરવા પ્રયાસ કર્યો છે. આમ રંગોળી ધનતેરસના દિવસથી શહેરીજનો નિહાળી શકશે.
કોરોના મહામારી વચ્ચે છેલ્લા ઘણાં સમયથી લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતાની લડાઇ લડી રહ્યાં છે. લગભગ છેલ્લા 2 વર્ષમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ વર્ષે કોરોનાના કેસો ઘટતા આનંદોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઉજવવાની તક મળી છે. કોરોના મહામારીએ આપણા જીવનની ક્ષણભંગુરતા વિશે જાગૃત કરવા આપણા જીવનને ઉમંગ અને ઉલ્લાસ સાથે જીવી લેવાની સમજ આપી છે. જેને રિધ્ધિબેને રંગોળીના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તૈયાર કરેલી આ રંગોળી 12 દિવસની જહેમત બાદ સામાન્ય ચિરોડીના રંગો વડે 6-4 ફૂટની આ રંગોળી તૈયાર કરાઇ છે. જેનું વાલકેશ્ર્વરીનગરમાં આવેલા શ્રીપતિ એપાર્ટમેન્ટમાં 4થા માળે નિર્માણ કરાયું છે. જેને ધન તેરસના દિવસથી નાગરિકો નિહાળી શકશે.
જામનગરના જાણીતા કવિ-લેખક હરકિશન જોશીએ તાજેતરમાં વિદાય લીધી હતી. તેમની પ્રખ્યાત ગઝલ ‘ઘડી બે ઘડીનો પ્રસંગ છે, ઘડી આપણો અહીં સંગ છે, ઘડી તુ નિહાળી નવાઇથી ઘડી આંખો મારી ય દંગ છે, મારી આંખ સામે અતિતની ધરી આરસીને ઉભા તમે, એક ભીની-ભીની સવાર છે એક ઝાંખો-ઝાંખો પ્રસંગ છે.’ કાવ્ય પંકિતની થીમ ઉપર હરકિશન જોશીને શ્રધ્ધાંજલિ સાથે આ રંગોળીમાં ચાર હસ્તા ખેલતા બાળકોને દર્શાવવામાં આવ્યા છે. રિધ્ધિબેન શેઠ દરવર્ષે આકર્ષક થીમ ઉપર રંગોળી કરે છે.