આગામી તા. 3 જાન્યુઆરીથી જામનગરમાં 15 થી 18 વર્ષની ઉંમરના તરૂણોને કોરોના રસી આપવાનો પ્રારંભ થનાર છે. આ અંગે ગઇકાલે કમિશનર તથા નાયબ કમિશનર દ્વારા શિક્ષણાધિકારી તથા શાળા-કોલેજના પ્રિન્સીપાલો સાથે મિટિંગ યોજાઇ હતી.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વર્ષ 2007 અને તેનાથી પહેલા જન્મેલા તરૂણો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે. જેમાં આ જોગવાઇ અનુસાર જામનગર શહેરમાં કુલ 23,521 તરૂણો કોરોના વેક્સિનને પાત્ર છે. આગામી તા. 3 જાન્યુઆરીથી શરુ થનાર તરુણોના રસિકરણ માટે જામનગર મહાનગરપાલિકા પાસે હાલમાં રસીના 13,000 જેટલા ડોઝ ઉપલબ્ધ છે અને હજૂ આગામી દિવસોમાં વધુ ડોઝ ઉપલબ્ધ થશે. 15 થી 18 વર્ષના તરૂણોના રસિકરણ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એકશન પ્લાન ઘડી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 15 થી 18 વર્ષના તરૂણોની સાથે સાથે આગામી 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કરો તથા સિનિયર સિટિઝનોને બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી પણ શરુ કરાશે. જેમાં 8460 આરોગ્ય કર્મચારીઓ, 11116 ફ્રન્ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ વયના 56120 લોકો માટે બુસ્ટર ડોઝની કવાયત હાથ ધરાશે.
આગામી તા. 3-1-21ના રોજ 15 થી 18 વર્ષની ઉંમરના તરૂણે કોવિડ-19 રસી આપવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવનાર છે. જે અન્વયે જામનગર શહેરની માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિક શાળાઓ, તમામ કોલેજોમાં રસિકરણ કાર્યક્રમના સફળ અમલિકરણ માટે કમિશનર તથા નાયબ કમિશનરની અધ્યક્ષતામાં જિલ્લા-તાલુકા શિક્ષણાધિકારી તથા શાળાઓ-કોલેજોના પ્રિન્સિપાલો સાથે મિટિંગ કરવામાં આવી હતી.
શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટરો, શાળાઓ, કોલેજો પર 15 થી 18 વર્ષના બાળકોનું રસિકરણ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં વર્ષ 2007 અને તેનાથી પહેલા જન્મેલ તમામ બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે. આથી કમિશનર જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકો તેમના 15 થી 18 વર્ષના બાળકોને કોવિડ રસિકરણ કરાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.