ખંભાળિયાના પ્રવેશ દ્વાર નજીક આવેલો ખામનાથ મહાદેવ મંદિર નજીકનો કેનેડી બ્રિજ કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, અને આના વિકલ્પ રૂપે નદીની નીચેના ભાગેથી સુવ્યવસ્થિત રસ્તો પણ બનાવવામાં આવ્યો હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો કેનેડી બ્રિજ પરથી પસાર થઈ ગયા હોવાથી આ અંગે તંત્રએ પગલાં લઈ અને ગઈકાલથી આ પુલને સંપૂર્ણપણે વાહન વ્યવહારથી પ્રતિબંધિત કરાયો છે.
ખંભાળિયા શહેરમાં પોરબંદર તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલી નદી પરના આશરે 120 વર્ષ જૂના કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત હોવાથી થોડા સમય પૂર્વે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાવી અને વાહન વ્યવહાર તેમજ ચાલવા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આ પછી અહીંથી પસાર થવા માટે આસપાસના ગ્રામજનો તેમજ નજીકના રહીશોની સુગમતા માટે નગરપાલિકા દ્વારા આશરે રૂપિયા 94 લાખના ખર્ચે નદીના પટમાંથી સુવ્યવસ્થિત સીસી રોડ બનાવી અને હાડમારીમાંથી મુક્તિ અપાવી હતી. તેમ છતાં પણ કેટલાક ટુ-વ્હીલર, મોટરસાયકલ ચાલકો પુલની આડસને અવગણીને પુલ પરથી પસાર થતા હતા.
ગઈકાલે બુધવારે સવારે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જૂનો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ખંભાળિયામાં આવેલા કેનેડી બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી અર્થે તંત્ર દ્વારા પુન: જેસીબી જેવા મશીનની મદદથી અવરોધો ઊભા કરી અને કોઈપણ વાહન ચાલક કે રાહદારી આ પુલ પરથી પસાર ન થઈ શકે તે માટે વ્યવસ્થા કરી, આ પુલને સંપૂર્ણપણે પ્રતિબંધિત અમલમાં મૂકવામાં આવ્યો છે.


